ગુજરાતના-જોવાલાયક સ્થળો

ટુર ગુજરાત

કનકાઈ-ગીર


કનકાઈ-ગીર

શકિતપુજા ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું પાસું છે. શકિત એટલે બળ. સમસ્ત લોકની શ્રધ્ધાનો આધાર એક યા બીજા સ્વરૂપે રહેલી શકિત પર અવલંબિત હોય છે. ગિરમાં આવેલું આ શ્રી કનકાઈ માતાજી નુ મંદીર શકિતપુજાનું એક ભાતીગળ અને નોંધપાત્ર સ્થળ છે. જયારે શીંગવડો સેંજલ નદીઓ વહેતી હોય, ચારે બાજુના ડુંગરા લીલી હરિયાળીથી ઓપતા હોય અને મોરલા ગળાનાં કટકા કરી કરીને “મલાર” આરાધતા હોય ત્યારે વનરાજીની વચ્ચેનાં આ ધર્મસ્થાને આવેલ યાત્રાળુ ઘડીભર તો સંસારની ઉપાધિઓ જરૂર ભુલી જાય છે.

મા કનકાઈ અઢાર વરણ ની કુળદેવી છે જેમા ખાસ કરીને ઉનેવાળ બ્રાહ્મણ, વૈંશ સુથાર જ્ઞાતિ માં પઢીયાર તથા વાઢીયા અને હાલાઇ લૉહાણા વગેરે જ્ઞાતિઓ નો સમાવેશ થાય છે.

મંદીરનું સ્થળ

શ્રી કનકાઈ માતાજીનું આ મંદીર એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયનાં જુનાગઢ જિલ્લામાં મધ્યગિરમાં આવેલું છે. જે તુલસીશ્યામથી આશરે ૨૨ કિલોમીટર દુર જંગલ માર્ગે આવેલું છે. આ સ્થળ કુદરતી સૌદર્યથી ભરપુર છે. આમ કનકાઈથી સાસણ ૨૪, વિસાવદર ૩૨, અને અમરેલી ૭૫ કિલોમીટર દુર આવેલ છે. વરસાદની ઋતુમાં વાહનવ્યવહાર નહિવત થઇ જાય છે. તેમજ આ સ્થળે જવા માટે દિવસ દરમિયાન જવુ પડે છે કારણકે જંગલખાતાની ચેક પોસ્ટથી સાંજનાં ૭ વાગ્યા પછી અવર જવરની મનાઈ હોય છે. તેમજ સાસણગિરમાં સિંહોની વસ્તી હોવાથી જંગલમાં હિંસક પ્રાણીઓનો ભય હોવાથી સલામતી જાળવવી પડે છે.

ઈતિહાસ

માં કનકાઈનો જે ઈતિહાસ લોકકંઠે ગવાય છે તે મુજબ ઈસુની આઠમી સદીમાં થયેલા વનરાજ ચાવડાનાં પરિવારમાં કનક ચાવડા નામનો એક રાજા થઇ ગયો. તેણે ક્નકાઈ (કનકાવતી) નગરીની સ્થાપના કરી હતી. માં કનકાઈને આ નગરીના અધિષ્ઠાત્રી દેવી તરીકે સ્થાપ્યા હતાં.

બીજી એક લોકવાયકા એવી પણ છે કે, વળાના મૈત્રક વંશનાં મુળ પુરુષ કનકસેન અયોધ્યાનાં સુર્યવંશી રાજવી હતાં. તેણે સૌરાષ્ટ્રમાં વીરનગરમાં આવીને પરમાર રાજાને હરાવ્યો હતો. અને વંશજ વિજયસેને વિજયપુર (ધોળકા) વસાવ્યું. વિજયસેનનાં વંશજ ભટ્ટાર્કે વલભીપુરની સ્થાપના કરી. અને કનકસેને મધ્યગિરમાં આવીને કનકાવતી નગરી વસાવી. આથી તેને શહેરના અધિષ્ઠાત્રી દેવી તરીકે માં કનકાઈની સ્થાપના કરી હતી.

જીર્ણોધારનો ઈતિહાસ

શ્રી કનકાઈ મંદીરની જે તે સમયે સ્થાપના થયા પછી કાળબળની થપાટે જીર્ણ થયેલાં આ મંદીરને ઘણા બધા સમયના વ્હાણા વિતી ગયા. આ કનકાઈ મંદીરનો સૌપ્રથમ જીર્ણોધાર સંવત ૧૮૬૪ માં કરવામાં આવ્યો હતો. આ જીર્ણોધાર કોણે કરાવ્યો તેની ખાસ કાંઈ માહિતી નથી. ત્યાર બાદ લગભગ ૧૪૨ વર્ષ જેટલો સમય ચાલ્યો ગયો. લોકોમાં વધારે જાગૃતિ આવી અને ફરીથી આ મંદીરનો જીર્ણોધાર કરવા માટે વિક્રમ સંવત ૨૦૦૬માં એક સમિતિ ની રચના કરવામાં આવી. ત્યાર બાદ આ સમિતિએ જરૂરી ખર્ચની રકમ ભેગી કરી મંદીરનું કામ ચાલુ કર્યુ. અને સંવત ૨૦૦૮ એટલે કે તારીખ ૦૩/૦૩/૧૯૫૨ ને દિવસે ઉત્સાહભર્યા વાતાવરણમાં જે મુર્તિ જુના મંદીરમા હતી તે જ મુર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

દેવસ્થાનો

શિખરબંધ મુખ્ય મંદીરમાં શ્રી કનકેશ્ર્વરી માતાજી બિરાજમાન છે. તેમજ આ સ્થાનકમાં શિવ, ગણેશ અને હનુમાનનાં મંદીરો પણ આવેલા છે. મંદીરની બરાબર નીચે શીગવડો નદી વહે છે. માતાજીના મંદીર પાછળ ભુદરજીનું મંદીર છે. તેની બાજુમાં પાંચેક પાળીયા ઉભા છે. આમ આ સ્થાનકનાં કનકેશ્વરી માતાજીને ઉનેવાળ બ્રાહ્મણ, આહિર, દરબાર અને મહારાષ્ટ્રનાં કીર્તિકર બ્રાહ્મણો કુળદેવી તરીકે પુજે છે. પ્રભાસક્ષેત્રનાં કેટલાક પુરોહિતો પણ કનકાઈ માતાજીને કુળદેવી તરીકે પુજે છે. કનકાઈ માતાજીના અન્ય મંદીરો અમરેલી જિલ્લામાં ચાવંડ, મહુવા પાસે તરેડ, સુત્રાપાડા પાસે વડોદર અને ભરૂચ પાસે શુકલતીર્થ માં આવેલા છે. આ કનકાઈ મંદીરમાં ચૈત્ર માસની નવરાત્રીનો તહેવાર ધામ ધુમથી ઉજવવામાં આવે છે. તેમજ પાંચમ થી આઠમ સુધીમાં ઘણા ભક્તો દર્શને આવે છે.

ધર્મશાળાઓ

આ સ્થાનકમાં મંદીરોની ઉપરના ભાગમાં મોટું મેદાન આવેલુ છે. તેમાં બે બાજુ ફરતી ધર્મશાળાઓ બાંધવામા આવેલ છે. ઘણા સમય પહેલા આ મંદીરની જાળવણી માટે ટ્રસ્ટ્રની રચના કરવામા આવેલી છે. જેના પ્રયત્નોથી મદીરમાં રાત્રિ રોકાણ માટે રહેવાની સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ સ્થળના દર્શને આવેલ યાત્રિકોને સાંજના ૬ વાગ્યા પછી હિંસક પ્રાણીઓનાં ડરથી જગ્યામાં રોકી દેવામાં આવે છે. આમ આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપુર છે જેથી કુદરતનાં ખોળે આળોટવા એક વખત દર્શને આવવું જોઈએ.

6 comments on “કનકાઈ-ગીર

  1. Kuldeep
    ઓગસ્ટ 5, 2010

    interasting site

  2. MANOJ GADHAVI (JASHODA NAGAR, AHMEDABAD )
    ઓક્ટોબર 9, 2011

    I LIKE THIS PLASE.

  3. Yagnesh Pandya
    માર્ચ 16, 2012

    jay ma
    i like this plase

  4. jitendra tekwani
    ડિસેમ્બર 24, 2012

    vanchi ne rubaru mata na darshan kari lidha hoy tevi anubhuti thai jay ma kankeshvari devi ….. jitendra v tekwani rajkot mo 9377777774

  5. Himansu Darji
    જાન્યુઆરી 6, 2014

    hava ratri rokan bandh kari deva ma ava cha ana sanj na time 4.30 kalak bahar mokli deva ma ava cha

Leave a comment