ગુજરાતના-જોવાલાયક સ્થળો

ટુર ગુજરાત

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થા


(ઋણસ્વીકાર: mygujaratnew.blogspot)

અક્ષર પુરુષોત્તમ સત્સંગનું આ આદિતીર્થ છે. ખેડા જિલ્લાના બોરસદ તાલુકામાં, પેટલાદથી આઠેકે માઈલ દૂર આ મહાન તીર્થધામ આવેલું છે.

સને 1810માં આ ગામના ભક્તરાજ શ્રી કાશીદાસ પાટીદારને વચન આપતાં ભગવાન સ્વામીનારાયણે કહ્યું હતું કે ‘અહીં મોટું મંદિર થશે અને અમે અમારા ધામ સહિત બિરાજીશું.’
લગભગ 100 વર્ષ પછી, સને 1907માં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ભગવાન સ્વામીનારાયણના આ શબ્દોને મૂર્તિમંત કર્યા. બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાની સ્થાપના કરીને તેઓએ સંસ્થાનું સૌપ્રથમ મંદિર અહીં સ્થાપ્યું અને મંદિરના ગગનચુંબી શિખર તળે ભગવાન સ્વામીનારાયણ અને તેમના ધાન અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિઓ પધરાવી.

Sawminarayan-mandirદર્શનીય સ્થળો :

ઘુમ્મટ-ઘુમ્મટીઓ, છત્રીઓ, કમાનો, સ્તંભોથી શોભતા આ નાજુક મંદિરને ત્રણ શિખરો અને ત્રણ માળ છે.
મધ્ય મજલે મધ્ય શિખરમાં ભગવાન સ્વામીનારાયણ, તેમના ઉત્તમ ભક્ત અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી તથા સદગુરૂ ગોપાળાનંદ સ્વામીની ધાતુની જીવંત કદની મૂર્તિઓનાં દર્શન થાય છે.

ડાબી બાજુના પ્રથમ શિખરમાં, શ્રી હરિકૃષ્ણ મહારાજ (ભગવાન સ્વામીનારાયણનું બાળપણનું નામ) તથા શ્રી લક્ષ્મી નારાયણ દેવીની સંગેમરમરની મૂર્તિઓનાં દર્શન થાય છે.

તૃતીય શિખર તળે, સુખશય્યામાં ભગવાન સ્વામીનારાયણ અને તેમની આધ્યાત્મિક વારસદાર ગુરુપરંપરાની ચિત્રપ્રતિમાઓનાં દર્શન થાય છે.

રંગમંડપ :

મંદિરના ભોંયતળિયે, બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની ઊભી આરસની સુંદર મૂર્તિઓ પધરાવી છે. અહીં ભગવાન સ્વામીનારાયણ તથા બ્રહ્મસ્વૂપ શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિ કરાવતી પ્રસાદીભૂત વસ્તુઓનાં પણ દર્શન થાય છે.

સભાગૃહ :

સ્વામીનારાયણ સંપ્રદાયનો સૌથી વિશાળ સભાગૃહ અહીંનો ‘યજ્ઞપુરુષ સભાગૃહ’ છે. અહીં સંતોના મુખેથી નિત્ય સત્સંગ-લાભ મળે છે. સભામંડપમાં શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ગુરુપરંપરાની આબેહૂબ ચિત્રપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી છે.

ગામમા :

આ ગામમાં ભગવાન સ્વામીનારાયણ કુલ બત્રીસ વખત પધાર્યા હતા. અહીં ભક્તરાજ કાશીદાસના ઘરે ઊતરતા. આજેય એ પ્રસાદીભૂત ઘર દર્શનીય છે.

‘નીલકંઠવર્ણી’ વેષે ભગવાન સ્વામીનારાયણે સકલ ભારતનું તીર્થોટન કરી ગુજરાતમાં પ્રવેશ કર્યો ત્યારે તેઓ બોચાસણ પધાર્યા હતા અને દૂધ ચોખા જમ્યા હતા. એ વખતે તેઓએ જે સ્થળે દેરી બાંધી છે, તે દર્શનીય છે.

ઉત્સવો :

સત્સંગના આ આદિતીર્થમાં દર વરસે ગુરુપૂર્ણિમાં (અષાઢ સુદ પૂનમ), દેવદિવાળી (કાર્તિકી પૂર્ણીમા તેમજ ચૈત્રી પૂર્ણિમાના ઉત્સવો) હજારો ભક્તોની ઉપસ્થિતિમાં ભવ્યતાથી ઊજવવામાં આવે છે. આ ઉત્સવોમાં પ્રમુખ સ્વામી મહારાજની ઉપસ્થિતિ સૌમાં અનેરો ઉત્સાહ પ્રગટાવે છે.

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા દ્વારા બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ શતાબ્દી મહોત્સવો તથા ગાંધીનગરમાં બંધાયેલા અક્ષરધામનો ઉદઘાટન સમારોહ 30 ઓક્ટોબર 1992થી 2 ડિસેમ્બર 1993 દરમ્યાન ગાંધીનગરમાં ઊજવાઈ ગયો. આ સમારંભ દરમ્યાન અનેકવિધ કાર્યક્રમો યોજ્યા હતા. જીવનઘડતરની પ્રેરણા આપતીપરિષદો, પરિસંવાદો, સંગઠનો, સમૂહ યજ્ઞોપવીત, સમૂહલગ્નોત્સવ, દીક્ષા-મહોત્સવ વગેરે કાર્યક્રમો યોજાયા હતા. અનેક મહિલા ઉત્કર્ષના કાર્યક્રમોનું પણ આયોજન થયું હતું. અક્ષર પુરુષોત્તમ ગામનું સુંદર મંદિર જે ગાંધીનગરમાં બંધાયું છે, તે કુલ 23 એકરની ધરતી પર પથરેયાલું સંસ્કૃતિધામ છે, જેના ચાર વિભાગો છે. અક્ષરધામ સ્મૃતિ, અક્ષરધામ અનુભૂતિ, અક્ષરધામ શોધન અને સહજાનંદ વન.

ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર ભગવાન સ્વામીનારાયણની સમૃતિમાં અક્ષરધામ સર્જાયું છે.

વિશાળ અક્ષરધામ સંકુલના કેન્દ્રમાં રાજસ્થાનના ગુલાબી પથ્થરમાંથી એક નાજુક સૌંદર્યમય સ્થાપત્ય ખીલી ઊઠ્યું છે-‘અક્ષરધામ સ્મૃતિ’.
6,000 મેટ્રિકટન ગુલાબી પથ્થર અને 80,00,000 માનવકલાકોના ભક્તિસભર પરિશ્રમનું મનોરમ્ય સંયજન છે-અક્ષરધામ સ્મૃતિ.

સતત છ વર્ષ સુધી અનેક આબાલવૃદ્ધોના ભાવનાસભર પરિશ્રમને અંતે તૈયાર થયેલું સ્મારક 108 ફૂટ ઊંચું, 240 ફૂટ લાંબુ અને 131 ફૂટ પહોળું છે, 97 શિલ્પાકૃત સ્તંભો, 220 પથ્થર બિંબ, 57 પથ્થર પટ, 17 ઘુમ્મટ-ઘુમ્મટીઓ, 8 સુશોભિત ગવાક્ષો અને વિશાળ પ્રવેશ-પ્રાંગણથી શોભે છે. આખું સ્થાપત્ય નાજુક નકશી કામથી અલકૃત છે.

મધ્યસ્થ ખંડમાં ભગવાન સ્વામીનારાયણની 7 ફૂટની સુવર્ણમંડિત ભવ્ય અને સૌમ્ય મૂર્તિનાં દર્શન થાય છે.

ભોંયતળિયે ભગવાન સ્વામીનારાયણના આ પૃથ્વી પરના અવતરણની ચિરંતન સ્મૃતિઓ વસ્તુઓ રૂપે, એમની અણમોલ અને દુર્લભ વસ્તુઓનું આકર્ષક પ્રદર્શન છે.

અક્ષરધામ સ્મૃતિની ચારે તરફ ગુલાબી પથ્થરોમાંથી કંડારાયેલી પ્રદક્ષિણા પથરાઈ છે.

આગળ ભગવાન સ્વામીનારાયણે કિશોર વયે કરેલા સકલ ભારત તીર્થાટનની રોમાંચક ઝલક છે. ઉત્તુંગ હિમશિખરો, ઊંડી ખીણો, વરસાદની ઝડીઓ વચ્ચે, ઘોર જંગલો, હિંસક પ્રાણીઓની ભયાનક ગર્જનાઓ અને ગુફા વચ્ચેથી પસાર થઈને ભગવાન સ્વામીનારાયણે કિશોર વયે કરેલી કઠોર તપશ્ચર્યાનો રોમાંચક અલ્પ અનુભવ મળે છે.

ગુજરાતના એક ઐતિહાસિક લોજ ગામના ગોંદરે વિશિષ્ટ દ્રશ્ય શ્રાવ્ય કાર્યક્રમ આપને ભગવાન સ્વામીનારાયણના ગુજરાત-કાર્યની મંગલ શરૂઆતનું દર્શન કરાવે છે.

અયોધ્યાથી ગૃહત્યાગ કરીને પોતાની સોળ વર્ષની કિશોરવયમાં ભગવાન સ્વામીનારાયણ નીલકંઠવર્ણી વેશે સાત વર્ષ વનવિચરણ કરી ગુજરાતમાં પ્રવેશી સૌરાષ્ટ્રના લોજ ગામે આવ્યા હતા. ગામને પાદરે એક વાવા ઉપર ફક્ત એક કોપીનભેર આ કાંતિમાન બાળબ્રહ્મચારી ધ્યાનમુદ્રામાં બેઠા છે. ગામમાં રામાનંદ સ્વામીનો આશ્રમ છે.

સચ્ચિદાનંદમાં 20×54ના વિશાળ રૂપેરી પડદા પર એક વિલક્ષણ દ્રશ્ય-શ્રાવ્ય કાર્યક્રમ ચિરંતન સુખનું નિશાદર્શન કરાવે છે. 14 રૂપેરી પડદાઓ સાથે ‘સચ્ચિદાનંદ’ સભાગૃહની રચના જ એવી વિશિષ્ટ છે કે દર્શકોના માનસપટ પર રજૂઆતોનો એક અમીર પ્રભાવ છોડી જાય છે.

કુશળ ટેકનિશિયનો દ્વાર દિગ્દર્શિત ભારતમાં સૌપ્રથમવાર રજૂ થતો ‘મલ્ટી મીડિયા પ્રેઝન્ટેશન ઇન્ટરગોવીઝન’ દ્વારા માનવજીવનના ધ્યેયની સંવેદનાત્મક રજૂઆત અહીં થઈ રહી છે.

નિત્યાનંદમાં સત્યકામ, જાબાલિ, મૈત્રેયી, નચિકેતા જેવા પ્રસિદ્ધ ઔપનિષદિક પાત્રોની જીવંત રજૂઆત દ્વારા સૂચવાયું છે કે માણસમાત્રને આત્મા-પરમાત્માના સાક્ષાત્કારનો સમાન અધિકાર છે, પછી ભલે એ બાલક હોય કે વૃદ્ધ પુરુષ હોય.

નિજાનંદમાં :

હિન્દુ, બૌદ્ધ, જૈન, શીખ, પારસી, યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ આ મુખ્ય વિશ્વધર્મોની સુંદર સુમેળભરી રજૂઆત છે જેમાં, તેના પ્રતીક ચિહન, શાસ્ત્ર તીર્થસ્થાનો, આચારસંહિતાઓ અને પ્રાર્થનાઓ વિશે જાણવાનો સુયોગ છે. પ્રેમાનંદમાં પ્રસિદ્ધ ભક્તકવિઓ-તુલસીદાસ, સુરદાસ, કબીર, ચૈતન્ય, મંડાલ, તુકારામ, મીરાંબાઈ, નરસિંહ મહેતા અને પ્રેમાનંદ સ્વામીના જીવનકાળની પ્રેરક ઝલક પ્રસ્તુત થઈ છે.

ઓડિયો-એનીમેટ્રોનિક શો :

ગઢડા ગામે ભગવાન સ્વામીનારાયણ પોતાના પરમહંસ શિષ્યો અને ગૃહસ્થ ભક્તો સાથે આધ્યાત્મિક વાર્તાલાપમાં મગ્ન છે અને 200 વર્ષ પૂર્વેની એ ઘટનાને અહીં અત્યંત વાસ્તવિક સ્વરૂપે માણવાની તક મળે છે.

અમેરિકન ટેકનોલોજીના સહયોગથી આધુનિક ઓડિયો-એનિમેટ્રોનિક એ દુર્લભ ક્ષણને તાદ્રશ્ય બનાવવાનો પ્રયાસ છે. હૂબહૂ સજાવટ સાથે સમગ્ર દ્રશ્યને જીવંત બનાવતો આ ઓડિયો-એનિમેટ્રોનિક શો ‘અક્ષરધાન અનુભૂતિ’ના સમગ્ર વિચારોનો ઉપસંહાર આપે છે.

અક્ષરધામ અનુભૂતિનું ક્ષેત્રફળ : 5259.61 ચોરસ મીટર છે. આર્ષ ‘અક્ષરધામ’ સંકુલનાં અંતર્ગત એક કેળવણી સંસ્થા છે, જેમાં વિદ્યાર્થીઓ અને વિદ્વાનો સમાજના વર્તમાન પ્રાણપ્રશ્નો પર વ્યવહારુ સંશોધન કાર્યો કરશે. જેવાં કે અદ્યતન કેળવણી પ્રથા, જાહેર આરોગ્ય, ગ્રામ્ય અને આદિવાસી ઉત્કર્ષ, પર્યાવરણ, કુદરતી સંકટો વખતે બચાવકાર્યનું આયોજન, દહેજ, વ્યસનો વગેરે સામાજિક દૂષણોની નાબૂદી વગેરે. આર્ષમાં વિશાળ ગ્રંથાગાર, સુસજ્જ દફતર ભવન, વિદ્ધાનો માટે અધ્યયન, -અધ્યાપન કેન્દ્ર, કોમ્પ્યુટર સેન્ટર, પરિસંવાદ વગેરે સુવિધાઓ હશે.

સહજાનંદ વન :

અક્ષરધામના વિશાળ પ્રાંગણમાં જ આ એક વિશિષ્ટ સાંસ્કૃતિ ઉદ્યાન ખીલવવામાં આવ્યો છે, જેમાં આઠ એકરની હરિયાળી લોન તેમજ નાનાં-મોટાં કુલ 47,277 વૃક્ષો-છોડ-વેલીઓથી લીલીછમ સહજાનંદ વનની 15 એકરની ધરતી પર સંસ્કૃતિનાં મૂલ્યોને જુદા જુદા સ્વરૂપે ઉપસાવવામાં આવ્યાં છે. અહીં ફુવારાઓ, ઊંચેથી પડતા જળધોધ, નાનાં તળાવો, વૃક્ષોની ઘેરી ઘટાઓ અને રંગબેરંગી ફુલોની વિશિષ્ટ ભાત છે. અહીં વિશાળ ઔષધ-ઉદ્યાન છે.

આ સંકુલના આર્ષદ્રાષ્ટા અને સંકલ્પમૂર્તિ પ્રમુખસ્વામી મહારાજની સતત પ્રેરણા, માર્ગદર્શન અને પીઠબળનું એ પરિણામ છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: