ગુજરાતના-જોવાલાયક સ્થળો

ટુર ગુજરાત

માતાનો મઢ : મા આશાપુરા


કચ્‍છના પાટનગર, ભુજથી ઉત્તર પશ્ચિમે 80 કિ.મી. દૂર આવેલા, માતાના મઢ ખાતે આવેલું આશાપુરા માનું મંદિર, વીતેલાં 600 વર્ષમાં કચ્‍છના લોકોની આસ્‍થાનું જીવંત પ્રતીક બની ગયું છે.


ઈસુની 14મી સદીના પ્રારંભે લાખો ફુલાણીના પિતાના રાજદરબારમાં મંત્રી તરીકે રહેલા બે કરડ વાણિયાઓ અજો અને અનાગોરે આ મંદિર બનાવ્‍યું હતું, જેને કચ્‍છમાં આવેલા 1819ના ભૂકંપમાં ભારે નુકસાન થયું હતું એ પછી પાંચ વર્ષના ગાળામાં, આ મંદિરને બ્રહ્મક્ષત્રિય સુંદરજી શિવજી અને વલ્‍લભાજીએ ફરી બંધાવ્‍યું હતું. લગભગ 58 ફૂટ લાંબા, 32 ફૂટ પહોળા અને 52 ફૂટ ઊંચા એ પ્રાચીન મંદિરને કચ્‍છમાં ઈ. સ.2001 માં આવેલા મહાવિનાશક ભૂકંપમાં પણ નુકસાન થયું હતું અને તેનો ગુંબજ તૂટી ગયો હતો, પણ જોતજોતામાં આ મંદિરને હવે ભવ્‍યતમ બનાવી દેવાયું છે. અહીં બિરાજમાન આશાપુરા માની છ ફૂટ ઊંચી અને છ ફૂટ પહોળી, રાતા રંગની મૂર્તિ સ્‍વયંભૂ છે.

કચ્‍છના ક્રોમવેલ ગણાતા જમાદાર ફતેહમામદે પણ આ મંદિરને 41 વાટવાળી, બે કિલો વજનની ચાંદીની ‘દીપમાળા‘ ભેટ આપી છે. મંદિરના વડાને ‘રાજાબાવા‘ કહેવાય છે અને તેમનું વર્ચસ્‍વ હજુ રાજા જેટલું જ છે. કચ્‍છના રાજા જ્યારે માતાના મઢ જાય ત્‍યારે રાજા બાવાને અવશ્‍ય પ્રણામ કરવા પડે. રાજા ઊભા હોય અને રાજાબાવા સિંહાસન પર બિરાજે. આશાપુરા મા કચ્‍છ ઉપરાંત જામનગરના જાડેજાઓની ‘કુળદેવી‘ છે. જામનગર ખાતે ‘નાની આશાપુરા‘માનું મંદિર આવેલું છે.

કચ્‍છ આવતા પદયાત્રીઓની આગતા-સ્‍વાગતામાં કોઈ કમી ન રહે તેવો પ્રયાસ કચ્‍છીઓ કરે છે. છેક સૂરજબારીથી માતાના મઢ સુધીના માર્ગમાં ઠેર ઠેર છાવણીઓ બંધાય છે. કેટલાંક ગામોમાં તો પદયાત્રી કેમ્‍પ માટે કાયમી બાંધકામ કરી દેવાયાં છે. ભુજ-અંજાર માર્ગ પર અને ભચાઉ-દૂધઈવાળા રસ્‍તે, ગ્રામ્‍ય લોકો ઉત્‍સાહથી ‘રાહત કેમ્‍પ‘ ઊભા કરે છે. જ્યાં ચા-પાણી, નાસ્‍તા, જમણ, ઠંડા પીણાં, દવાઓ, ફળફળાદિ તો ઠીક છે, પરંતુ તબીબ અને ફિઝયોથેરાપિસ્‍ટ સુધ્ધાંની વ્‍યવસ્‍થા કરાય છે. આ કેમ્‍પો ‘રાઉન્‍ડ ધ ક્લોક‘ ચાલતા રહે છે. ભુજમાં તાલુકા પંચાયતની સામે મોટો કેમ્‍પ હોય છે, એ પછી મીરઝાપર સુધીના ત્રણ કિ.મી.ના ગાળામાં પાંચ કેમ્‍પ ઊભા થાય છે. પદયાત્રીઓમાં તબીબો, બેંક પ્રબંધકો સહિતના શિક્ષિ‍ત લોકો પણ હોય છે. મહિલાઓ, કૉલેજકન્‍યાઓ, ખેડૂતકન્‍યાઓ, શિક્ષિ‍કાઓ કોઈ આ લહાવો ચૂકતું નથી. મુંબઈના શેઠિયાઓ, મહાજનો પણ સેવાકાર્ય માટે કચ્‍છમાં ધામા નાખે છે. ભુજમાં, આશાપુરા મંદિર પાસેના પંચહટડી ચોકમાંથી પદયાત્રીઓને વિદાય અપાય છે.

માતાના મઢ ખાતે લાખો શ્રદ્ધાળુઓ ઊમટે છે. ગામના વથાણમાંથી છેક માતાજીના મંદિર સુધીના રસ્‍તા પર નાળિયેરનાં છોતરાં એવાં પથરાઈ જાય છે કે જાણે નાળિયેરનાં છોતરાંની જાજમ બનાવી દેવાઈ હોય ! શ્રદ્ધાળુઓ કલાકો સુધી કતારમાં ઊભી સ્‍વયં શિસ્‍તથી ‘આશાપુરામા‘ની મૂર્તિનાં દર્શન કરી ધન્‍ય બને છે. હવનાષ્‍ટમીના દિવસે, માતાના મઢ ખાતે યોજાતા હવનમાં કચ્‍છી રાજવી? પરિવાર હાજર રહે છે. જાતર ચઢાવાય છે અને ‘પત્રી‘ પડવાનો વિધિ થાય છે. અહીં ચાચર માતાનું મંદિર, ચાચરા ફંડ અને ‘ચાચર ચોક‘ પણ આવેલા છે.

Advertisements

8 comments on “માતાનો મઢ : મા આશાપુરા

 1. NIKUNJ MANGALJIBHAI THACKER
  મે 3, 2011

  BAHU SARI BABTO 6E DHANYAVAD

 2. HARESH RATHOD Naliya Abdasa..
  જાન્યુઆરી 21, 2012

  maa ashapurana chrnoma vandan

 3. Govind prajapati
  એપ્રિલ 5, 2012

  govind prajapati sabarmati
  jay mataji

 4. Chaudhary Rameshbhai Virjibhai
  ફેબ્રુવારી 10, 2013

  ashapura hamari kuldevi jay ashapura mataji

 5. CHAUHAN MUKESH
  માર્ચ 14, 2013

  MA ASHAPURA MA NE LAKHA LAKHA VANDAN
  JAY MATAJI

 6. kedarsinhjim
  જૂન 6, 2013

  મઢ વાળી મા
  મઢ વાળી જાણી, કચ્છ ધરાની ધણિયાણી

  ભાસે ભલેને તારા રૂપ અધૂરાં, કામ સવાયા કીધાં
  અધીર વણિક ની સાંભળી ને પ્રાર્થના, દેવળ દર્શન દીધાં
  સ્વયંભૂ માડી તુંતો પાષાણે પ્રગટી, જગ આખા માં ઓળખાણી…૧

  દુખિયા લોક તારે દ્વારે આવે તો દુખ સમૂળગાં કાપતી
  ખોળો જ્યારે પાથરે ભૂપતિ ભુજનો એને તું આશિષ આપતી
  સંકટ વેળાએ દોડી દોડી આવતી, હાથે ત્રિશૂલ તીર તાણી…૨

  જામ રાવળ ની ઝાઝી વિનંતિએ, વચનો વેળાસર દીધાં
  વડે ચડીને માં વહાર કરી તેં, જોગવડ બેસણા કિધા
  હાલાર કેરો એને હાકેમ બનાવ્યો, આપી અખૂટ ધન ખાણિ..૩

  આવે ઉપાધિ જ્યારે જ્યારે અમો પર, સહાય કરવામાં શૂરા
  ભાવિક ભક્તોની ભીડું ને ભાંગતાં, પરચા પૂરો છો પૂરે પૂરા
  અંગે ઊઘાડા ને અંગરખાં આપતાં, આપી અખૂટ ધન ખાણી..

  દીન “કેદાર” ની દેવી દયાળી, એક જ અરજી મારી
  ચિતડું રહે સદા તારા ચરણ માં, હૈયામાં મૂર્તિ તમારી
  શ્વાસે શ્વાસે તારું સ્મરણ કરૂં હું, આપજો એવી મતી મારી…

  ૧-દેવચંદ નામનો મારવાડનો વાણિયો તેની વણઝાર સાથે કચ્છમાં વેપાર માટે ફરતો હતો. અત્યારે કચ્છમાં જ્યાં આશાપૂરા માતાનું મંદિર છે એ જગ્યાએ ત્યારે નવરાત્રિ હોવાથી તે વણઝાર સાથે અહીં રોકાઈ ગયો. આ વણિકને અન્ય કોઈ વાતની ખોટ ન હતી પરંતુ સંતાન થતું ન હતું. આ માટે તે સતત માતાજીની પ્રાર્થના કરતો હતો. મા જગદમ્બાએ તેની ભક્તિથી પ્રસન્ન થઈને સ્વપ્નમાં દર્શન આપીને આ વણિકને કહ્યું કે ‘જે સ્થળે નવરાત્રિ પૂજન માટે મારું આસન સ્થાપ્યું છે, એ સ્થળે તું મારું મંદિર બંધાવજે. મંદિરના દરવાજા છ મહિના માટે બંધ રાખજે. છ મહિને હું એ મંદિરમાં પ્રગટ થઈને તારી મનોકામના પૂરી કરીશ.’

  દેવચંદે છ મહિના માટે અહીં જ રોકાઇને માતાજીની આરાધના કરવા લાગ્યો, પાંચેક મહિના વીત્યે એક દિવસે સંધ્યાકાળે અલૌકિક અવાજો સાથે આરતીના નાદ સાંભળ્યા. તેથી જગદમ્બાના દર્શન કરવાની તાલાવેલીને વશ થઈને શાહે મંદિરના દરવાજા ખોલી નાખ્યા.પણ મંદિરમાં તો બધું શાંત જ હતું, અને દેવીની ભવ્ય પ્રતિમાના દર્શન થયા પરંતુ આ પ્રતિમા અપૂર્ણ હતી, પોતાની ભૂલ સમજાતાં દેવચંદ શેઠ જોગમાયાના ચરણોમાં પડ્યા અને ભૂલની માફી માંગવા લાગ્યા. દયાળુ દેવીએ ક્ષમા આપી પરંતુ આ સ્વરૂપનાં ચરણોનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું.

  ૨-દર નવરાત્રિના ભુજના ગાદીપતી મુહૂર્ત જોઇને ચાચરા કુંડમાં સ્નાન કર્યા પછી ખુલ્લા પગે પત્રી(એક જાતની વનસ્પતિ) ઝીલવા મા ની સામે ખોળો પાથરીને પ્રાર્થના કરે, આ પત્રી જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ગાદીપતી ત્યાં અડીખમ ઉભા રહે, અને મેળવ્યા પછીજ ત્યાંથી હટે, માતાજી ની આ પ્રસાદી મેળવવાના સમય પરથી વર્ષ નો વરતારો પણ ઘણા જ્ઞાની લોકો ભાખતા હોયછે.

  ૩-સદીઓ પહેલાં કચ્છ મહારાજામાં કોઈ ખટરાગ થતાં કચ્છથી છુટા પડીને એક ભાઈએ મોરબી જીતીને ત્યાં રાજગાદી સ્થાપી, જ્યારે બીજા ભાઇને માતાજીએ નવા નગર જવા આજ્ઞા આપી, પણ તે ભાઇ રાવળજીએ માતાજીને પોતાની સાથે પધારવા વિનંતી કરી, ત્યારે માતાજી એમ કહેવાયછે કે વડના ઝાડ સાથે ઊડીને પધાર્યા અને જામનગર પાસે પ્રતીસ્ઠિત થયા.એ જગ્યાનું નામ “જોગવડ” પડ્યું, ત્યાર બાદ તો રાવળજીએ આખું હાલાર જીતી લીધું, અને રાવળજીને “જામ”ની પદવી મળતાં તેમના વંશજો “જામ સાહેબ” કહેવાયા.

  આમ મા આશાપૂરા સૌ કોઈ ની આશા પૂરનારી, ભક્તોની ભીડ ભાંગનારી, કચ્છની ધણિયાણી મઢમાં પ્રગટ પરચા પૂરનારી બિરાજમાન છે, તેને હજારો હજારો વંદન.
  જય મા આશાપૂરા.

  રચયિતા :
  કેદારસિંહજી મે. જાડેજા
  ગાંધીધામ -કચ્છ
  http://www.kedarsinhjim.blogspot.com
  dinvani.wordpress.com
  kedarsinhjim@gmail.com
  મોબાઈલ: +૯૧ – ૯૪૨૬૧૪૦૩૬૫

 7. suresh chaudhary
  જૂન 28, 2013

  Jay mataji…

 8. kedarsinhjimK
  ઓગસ્ટ 17, 2013

  કચ્છ ધણિયાણી

  આશાપૂરા જાણી તને કચ્છ ધણિયાણી
  પૂરજે માં મારી આશા, મને તારા દર્શન ની અભીલાષા…

  બાલુડો તારો ગરબા ગવડાવે, ભક્ત જનો ને ભાવ થી રમાડે
  ભક્તિ ની શક્તિ આપો ભુવનેશ્વરી, મને અવિરત રટણ ની આશા….

  કોઈ કહે અંબા કોઈ અંબિકા, આરાસુરી કે બહુચર ચંડિકા
  અગણિત નામ તારા કેમ ગણાવું, પુત્ર ને શું નામ ની પિપાસા..

  ભક્તો તમારાં પગપાળા ચાલતા, માડી ના નામ થી વગડો ગુંજાવતા
  ભૂખ તરસ નું ધ્યાન ન લાવે, તારી પાળે પહોંચવા ને પ્યાસા…

  આપ્યું અધિક તેં માંગુ શું માવડી, કૃપા કરી છે તેં રંક પર આવડી
  દીન “કેદાર” પર દયા દર્શાવી, આવી ના જીવન માં નિરાશા…
  રચયિતા :
  કેદારસિંહજી મે. જાડેજા
  ગાંધીધામ -કચ્છ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: