ગુજરાતના-જોવાલાયક સ્થળો

ટુર ગુજરાત

સોમનાથ-મહાદેવ


જૂનાગઢથી સોમનાથ પાટણ રોડ રસ્‍તે ૯૮ કિલોમીટર છે. રેલ રસ્‍તે જવા
જૂનાગઢથી વેરાવળ પશ્ચિમ રેલ્‍વેનું
છેલ્‍લું સ્‍ટેશન છે. ત્‍યાંથી રોડ રસ્‍તે ૫ કિલોમીટર દુર સોમનાથ
આવેલ છે.
પશ્ચિમના સમુદ્ર તટ ઉપર જ્યાં
સરસ્‍વતી નદી સાગરમાં મળે છે ત્‍યાંથી ભાદર સુધી નદી સુધીનો પ્રદેશ, ગીરના જંગલોમાં તુલસીશ્‍યામથી માધવપુર સુધીનો
વિસ્‍તારમાં ભગવાન શંકર અતલ સુધી રહેલ હતા. અવકાશ અને પૃથ્‍વીની વચ્‍ચેના આ પ્રભામંડલમાં શિવજીની આરાધના કરવાથી પ્રભા અર્થાત તેજ-કાંતિ પ્રાપ્‍ત થાય તેવી આશા અને શ્રદ્ધાનું આ પવિત્ર સ્‍થળ તેથી ‘પ્રભાસ‘ કહેવાયું છે.

પુરાણકથા મુજબ એક સમયે કલાનિધાન ચંદ્ર પોતાની ચાતુરી ખોઈ બેઠો. વડીલની આજ્ઞા ન માનવાથી અને પત્‍નીઓનું અપમાન કરવાથી ચંદ્રનું પોતાનું તેજ નાશ થઈ ગયું અને પૃથ્‍વી ઉપર અમૃત વરસાવવા ચંદ્ર અશક્ત થઈ ગયો.
ચંદ્રદેવને નક્ષત્ર નામવાળી ૨૭ પત્‍નીઓ છે, તે બધી દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી. તેમાંથી રોહીણી નામવાળી પત્‍ની સાથે ચંદ્ર સદાય પ્રેમમગ્‍ન રહેતાં. બાકીની ૨૬ પત્‍નીઓ જે બધી સગી બહેનો જ હતી તે પતિ વિયોગે ઉદાસ રહેવા લાગી. એક દિ‘ પિતા દક્ષ દિકરીઓને દુ:ખી જાણી દુ:ભાયા અને જમાઈ ચંદ્રને આજ્ઞા કરી કે કૃપા કરી દરેક પત્‍નીઓ સાથે સરખો પ્રેમભાવ રાખો. પણ ચંદ્ર મહારાજે વડીલ સસરાની આજ્ઞા માની નહીઉ ૨૬ દિકરીઓને ઉદાસ રાખી અપમાનીત કરનાર ચંદ્રથી દુ:ખી પિતા દક્ષરાજે આથી ‘ચંદ્ર તારો ક્ષય થાવ‘ આવો શ્રાપ આપ્‍યો.
દિન પ્રતિદિને ચંદ્રની પ્રભા નષ્‍ટ થઈ ગઈ. ચંદ્રના તેજ વગર અન્ન ઔષધી રસ વગરના થઈ ગયા અને પ્રજા નષ્‍ટ થવા લાગી. આથી પ્રજાપિતા બ્રહ્માની સલાહથી ચંદ્રએ રોહીણી સાથે પૃથ્‍વી અને અવકાશ વચ્‍ચેના આ સ્‍થળે પ્રભાની આશા સાથે તપસ્‍યા શરૂ કરી. તપથી પ્રસન્ન થયેલ શંકરના અનુગ્રહથી ચંદ્રનો શ્રાપથી અંશત છુટકારો થયો અને પુન: પ્રભાયુક્ત થઈ ગયો અને ત્‍યારથી આ મુખ્‍ય તીર્થ પ્રભા આશ કે પ્રભાસના નામથી વિખ્‍યાત થયું છે.
ત્‍યાર પછી બ્રહ્માજીએ અર્ધચંદ્રને ધારણ કરનાર ભગવાન શિવજીનું સ્‍થાપન ચંદ્ર અને રોહીણી પાસે સુવર્ણમય મંદિરમાં કરાવ્‍યું. ત્‍યારથી અહીં સોમ-નાથ કે ચંદ્ર-પ્રભુના જ્યોતિર્લીંગ ગણાય છે.
પ્રભાસ આ સમયકાળનું સૌથી વધારે પવિત્ર સ્‍થળ હતું પાપ નિવારણ કરવાનો આ ક્ષેત્રનો ગુણધર્મ હતો.
કૃષ્‍ણ – બલરામ અને યાદવોની આ પવિત્ર ભૂમિ ઉપર ખુબ જ પ્રિતિ હતી. ભગવાન શ્રી કૃષ્‍ણએ જીવનની અંતિમ ક્ષણો પણ આ ભૂમિ ઉપર ગાળીને દેહત્‍યાગ પણ અહીંજ કર્યો છે. દેવયોગે પ્રૌત્ર વ્રજનાભ સિવાય સમગ્ર યાદવકુળનું અહીં પતન થયું છે.
પતન સંસ્‍કૃત શબ્‍દ છે જે ઉપરથી પાટણ થયું છે.
યાદવોનાં પતન પછી ભગવાન શ્રી કૃષ્‍ણ દ્વારકા છોડીને આ સ્‍થળે વૃક્ષ નીચે, સ્થિર આસને આડો પગ રાખી બિરાજતા હતા ત્‍યારે જર નામના શિકારીનું બાણ આડા પગનાં તળીયામાં લાગ્‍યું. ભલ્‍લ કહેતા બાણથી ઘવાઈ શ્રી કૃષ્‍ણે દેહત્‍યાગ કર્યો તેથી ભાલકા તીર્થ કહેવાયું છે. અહિં ભગવાન શ્રી કૃષ્‍ણનાં આ અંતિમ સ્‍વરૂપનાં દર્શન થાય છે વેરાવળથી પાટણ જતા રસ્‍તામાં પ્રથમ ભાલકા તીર્થના દર્શન થાય છે.
શ્રી કૃષ્‍ણના નશ્વર દેહનો અગ્નિ સંસ્‍કાર થયો તે સ્‍થળ અરબી સમુદ્રના કાંઠે ત્રિવેણી સંગમ ઉપર છે. સરસ્‍વતી, કપિલા અને હિરણ નદીના ત્રિવેણી સંગમ સ્‍થાને આવેલ આ સ્‍થળને દેહોત્‍સર્ગ ક્ષેત્ર કહેવાયું છે.
ઘાટ ઉપરનાં પીપળાનાં વૃક્ષને ભાવિકો પાણી સિંચે છે. આ સ્‍થળે શ્રી કૃષ્‍ણ ભગવાનનું સુંદર મંદિર છે. મંદિરનાં ૧૮ આરસનાં સ્‍તંભ ઉપર ગીતાનાં દરેક અધ્‍યાય કોતરેલા છે. જેથી ગીતામંદિર પણ કહેવાય છે.
શ્રી કૃષ્‍ણના મોટાભાઈ બલરામજી પણ શ્રી કૃષ્‍ણની જીવન લીલા પુરી થતા, દેહોત્‍સર્ગનું અંતિમ કાર્ય પુરૂ કરી આ સ્‍થળેથી અતલ પાતાળમાં માનવ રૂપ બદલાવી શેષનાગના સ્‍વરૂપે પ્રવેશ કરી ગયા છે. આ સ્‍થળને બલદેવજીની ગુફા કહેવાય છે. અહીં શેષનાગની સિંદુર ચડાવેલ મૂર્તિ અને ગુફા વિવર છે.અહીં બલદેવજીની મૂર્તિની પ્રતિષ્‍ઠા કરેલ છે. બાજુમાં જ લક્ષ્‍મી-વિષ્‍ણુનું સુંદર મંદિર છે. તથા અહીંયા વૈશ્નવાચાર્ય મહાપ્રભુ વલ્‍લભાચાર્યજીએ શ્રીમદ્ ભાગવત પારાયણ કરેલ છે. મહાપ્રભુની ૮૪ બેઠકમાંની એક બેઠકજી આ પાવન જગ્‍યાએ છે.
આ સિવાય રૂદ્રેશ્વર મહાદેવ, જીર્ણ સૂર્ય દેવળ, શંકરાચાર્યજીની ગાદી, વેણેશ્વર મહાદેવ, દૈત્‍યસુદન વિષ્‍ણુનું મંદિર અને ભીડીયા પાસેના સમુદ્રનાં જળમાં બાણગંગા શિવલિંગ, ભીડીયા ગણેશજી, શશિભૂષણ મહાદેવ વગેરે પ્રાચીન પાવનકારી સ્‍થળો છે.
સોમનાથના બસ સ્‍ટેશન પાસે જ સોમનાથ મહાદેવનું પ્રાંગણ આવે છે. થોડે દુર રાણી અહલ્‍યાબાઈનું સ્‍થાપેલ સોમનાથનું જૂનું શિવ મંદિર આવેલ છે. મોગલોના પતન પછી મરાઠા સરદાર ધનાજી જાદવે સૌરાષ્‍ટ્ર સર કર્યું. ત્‍યારે ઈંદોરના હોલકર મહારાણી અહલ્‍યાબાઈએ પુરાણા ખંડિત શિવમંદિરથી થોડે દુર સોમનાથનું આ શિવમંદિર ઈ. સ. ૧૭૮૩માં બંધાવ્‍યું છે. નીચે ભૂગર્ભમાં ભવ્‍ય શિવલીંગ સહ ઉમાની કાળાપાષણની મૂર્તિના દર્શન અને પૂજન કરવાનો બેવડો લાભ યાત્રિક જાતે જ લઈ શકે છે. સોમનાથના મંદિરો હજારો વર્ષમાં વારંવાર બન્‍યા છે. રાજા રાવણે રજતનું મંદિર બનાવેલ, રાજસૂય યજ્ઞ પછી સમ્રાટ યુધિષ્ઠિરે સુગંધી ચદન કાષ્‍ટનું વિશાળ શિવમંદિર બનાવેલ.
કાળાંતરે અનેક સમ્રાટો, મહારાજ ભોજ, રાજા ભીમે, રાજા મહીપાલે શિવમંદિર બનાવેલ છે. અને ગિજનીના મહંમદે, અલાઉદ્દીન ખીલજી, મહંમદ બેગડો, મોગલશાહ ઔરંગઝેબે ધર્મની અસહીષ્‍ણુતાથી રત્‍નો અને સંપત્તિયુક્ત મંદિરો તોડીને લુંટ્યા છે. તેનો નાશ કર્યો છે.
સમયાંતરે ભારતની સંસ્‍કૃતિએ ભગવાન શંકરના આ સનાતન જ્યોતિર્લીંગની અહીં ફરી સ્‍થાપના કર્યા જ કરી છે.
સમયના અનેક વહેણ વહી ગયા પછી દેશ આઝાદ થયો ત્‍યારે ઈ. સ. ૧૯૪૭માં ભારતના લોકપ્રિય ‘લોખંડી પુરૂષ‘ સરદાર વલ્‍લભભાઈએ સમુદ્રનું જલ હાથમાં લઈ સોમનાથના જીર્ણ – શીર્ણ પુરાણા ખંડીયેર, ભગ્ન શિવમંદિરની જગ્‍યાએ જ નવું સોમનાથનું મંદિર કરવાનું નક્કી કર્યું. શિવજીના મહામેરૂપ્રસાદ મંદિરનો અહીં શિલારોપણ ઈ. સ. ૧૯૫૦ના ૮મી મેના રોજ થયો.
ઈ. સ. ૧૯૫૧ના ૧૧મી મે, વિક્રમ સંવત ૨૦૦૭ના વૈશાખ સુદ – ૫ ના દિવસે પ્રભાતે ૯ – ૪૭ કલાકે ભારતના પ્રથમ રાષ્‍ટ્રપતિ ડો. રાજેન્‍દ્રપ્રસાદે ભગવાન સોમનાથની પ્રતિષ્‍ઠા વિધિ કરી છે.
છેલ્‍લા હજારો વર્ષથી આ તેજ બ્રહ્મશિલા તેમની તેમજ છે, જ્યાં આજે જ્યોતિર્લીંગ સોમનાથ નવા બંધાયેલ ‘મહામેરૂ પ્રસાદ‘ મંદિરમાં પ્રકાશી રહ્યું છે. સોમનાથ મંદિરની પુન:પ્રતિષ્‍ઠાને ઈ. સ. ૨૦૦૦માં ૫૦ વર્ષ પુરા થતા મંદિરનો સુવર્ણ મહોત્‍સવ થયો હતો.
સોમનાથ મહાદેવની આરતી સવારે ૭ વાગ્‍ય, બપોરે ૧૨:૦૦ વાગ્‍યે અને સાંજે સૂર્ય અસ્‍ત થવાના સમયે થાય છે. સવારના ૬ થી રાત્રીના ૯ વાગ્‍યા સુધી દર્શન થઈ શકે છે. સોમનાથ મંદિર માટે પ્રાણ આપનાર હમીરજીનો પાળીયો અને કર્પદી ગણેશ તથા હનુમાનજીના સ્‍થાનકો આ ચોગાન મધ્‍યે છે.
પ્રાચિન ગ્રંથો અને ઈતિહાસના આધારે શ્રી દિગ્‍વીજય દ્વાર નવાનગરના રાજમાતાએ તૈયાર કરાવ્‍યું છે. દ્વાર સામે જ સરદારની પ્રતિમા શોભી રહી છે. બાજુમાંજ રાજ્ય સરકારનું મ્‍યુઝીયમ છે. જેમાં પુરાણા સોમનાથ મંદિરના પથ્‍થરના શિલ્‍પો-શિલાલેખોની વિશાળ શ્રેણી પ્રદર્શિત છે.
અહીંથી થોડા અંતરે જ વૈશ્નવોનું દૈત્‍યસુદન વિષ્‍ણુનું અને જૈનોનું પવિત્ર તિર્થ ‘ગજેન્‍દ્રપૂર્ણ પ્રસાદ‘ નામનું ભવ્‍ય જૈન મંદિર આવે છે. વર્તમાન ચોવીશીના ૮માં તિર્થંકર ચન્‍દ્રપ્રભુનું મંદિરમાં દર્શન થાય છે. બાજુમાં દોકડીયા પાર્શ્વનાથ બિરાજે છે.
ત્રણ મજલાના આ ભવ્‍ય મંદિરના ઉંચા શિખરેથી લીલા સાગરનું મનોરમ્‍ય દ્રશ્ય સદાને માટે હૈયામાં જડાઈ જાય છે. આ ભવ્‍ય જિનાલય નીચે ભૂમિમંદિર છે જે આગમ મંદિર કહેવાય છે. અહીં પવિત્ર આગમના અધ્‍યાય સુરક્ષિ‍ત કરી રાખ્‍યા છે. બીજે કયાંય ન જોયેલું આ અપૂર્વ આગમ દર્શન છે. દરેક જૈનો માટે જે ગિરનાર યાત્રાએ આવ્‍યા હોય તેઓ પ્રભાસના આ ક્ષેત્રમાં આવેલા ચંદ્રપ્રભુજી અને દોકડીયા પાર્શ્વનાથનું મંદિર, ૨૪ તિર્થંકરના ચૈત્‍ય મંદિર અને આગમમંદિર, ચકેશ્વરી માતાના પૂજન અને દર્શન તથા વિશેષમાં સોમનાથ મહાદેવના મંદિરનું દર્શન જીવનનો બેવડો લહાવો બની રહેશે એટલી સહુ ખાત્રી રાખે. અહિંથી ઘણા જૈનો ઉના પાસે અજારા પાર્શ્વનાથના તીર્થ સ્‍થળે જાય છે.
અહીં દરેક જૈનો માટે ઉતરવા, રહેવા જમવાની દરેક સગવડ છે. જૈનગ્રંથોમાં પ્રભાસ પાટણને ‘ચંદ્ર પ્રભાસ‘ નામે ઓળખાવેલ છે.

11 comments on “સોમનાથ-મહાદેવ

  1. Nilesh Joshi
    ડિસેમ્બર 25, 2009

    Hi Dhawal,

    Very Very Nice site created and good informations are available – Keep it up

  2. harshit
    જાન્યુઆરી 20, 2011

    very nice…….photos & information…..

  3. Margik Doshi
    ઓગસ્ટ 7, 2011

    THANK YOU FOR ARTICLE. IT HELP ME TO MADE MY PROJECT……..

  4. VIJAY PRACHCHHAK
    સપ્ટેમ્બર 27, 2012
  5. pareshrparmar
    જાન્યુઆરી 2, 2013

    jai somnath…… 🙂

  6. kedarsinhjim
    જૂન 6, 2013

    બહુ નામી શિવ

    સાખી..
    કર ત્રિશૂલ શશી શીશ, ગલ મુંડન કી માલા . કંઠ હલાહલ વિષ ભર્યો, બૈઠે જાકે હિમાલા…
    ત્રિ નેત્ર સર્પ કંઠ, ત્રિપુંડ ભાલ સોહાય . સંગ ગિરિજા જટા ગંગ, સબ જગ લાગે પાય…

    ૧શિવ ૨શંકર સુખકારી ૩ભોલે…
    ૪મહાદેવ ૫સોમેશ્વર ૬શંભુ, ૭વિશ્વેશ્વર ૮વિષ ધારી…ભોલે..

    ગિરિ કૈલાસે ગિરિજા કે સંગ, શોભે શિવ ૯ત્રિપુરારિ
    ડમ ડમ ડમ ડમ ડમરુ બાજે, ભૂત પિશાચ સે યારી…ભોલે..

    ગંગા ગહેના શિર પર પહેના, ભુજંગ ભૂષણ ભારી
    બાંકો સોહે સોમ ૧૦શૂલપાણિ, ભસ્મ લગાવત સારી…ભોલે…

    વાઘાંબર કા જામા પહેના, લોચન ભાલ લગારી
    વૃષભ વાહન ૧૧વિશ્વનાથ કા, ભૂમિ સમશાન વિહારી…ભોલે…

    મુખ મંડલ તેરો મન લલચાવે, છબ લાગત હે ન્યારી
    ૧૨મૃત્યુંજય પ્રભુ મુજે બનાદો, બેઠે જો મૃગ ચર્મ ધારી…ભોલે….

    ચરન ધુલ કા પ્યાસા ૧૩પિનાક મે, ૧૪ભૂતેશ ભક્ત હિત કારી
    દાસ “કેદાર” ૧૫કેદારનાથ તું, ૧૬બૈજનાથ બલિહારી…..ભોલે…

    સાર:-
    સાખી=
    ૧, હાથમાં ત્રિશૂલ ધારણ કર્યું છે, શિર પર ચંદ્ર ધર્યો છે, ગળામાં મૂંડકા ની માળા પધરાવી છે, કંઠમાં હળા હળ વિષ ધરીને કૈલાસમાં બિરાજમાન છે દેવાધી દેવ મહાદેવ.

    ૨, ત્રણ નેત્ર છે, ગરદનમાં સર્પ ધારણ કર્યા છે, લલાટમાં ત્રિપુંડ શોભાયમાન છે, અર્ધાંગના માતા ગિરિજા બાજુમાં બિરાજમાન છે, જટાની અંદર ગંગા મૈયા શોભાયમાન છે, આવા અલૌકિક સૌંદર્ય ધરાવતા મહાદેવ ને સકળ વિશ્વ વંદન કરે છે.

    મહાદેવ ના અનેક નામો માંહેના ૧૬ નામોનો આ ભજનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

    માન્યવર,
    મારું આ ભજન ભારતના સાચા અર્થમાં જે ભજન સમ્રાટ હતાં તેવા બ્રહ્મલિન શ્રી શ્રી નારાયણ નંદ સરસ્વતીજી -નારાયણ સ્વામી- તેમની સી ડી “રોમ રોમ હર બોલે” માં બોલ્યા છે, તે માણવા જેવું છે. જોકે ત્યાર બાદતો ઘણા સારા સારા ભજનિકો પણ બોલ્યા છે.
    ધન્યવાદ.

    રચયિતા :
    કેદારસિંહજી મે. જાડેજા
    ગાંધીધામ -કચ્છ
    http://www.kedarsinhjim.blogspot.com
    kedarsinhjim@gmail.com
    મોબાઈલ: +૯૧ – ૯૪૨૬૧૪૦૩૬૫

  7. kedarsinhjimK
    ઓગસ્ટ 17, 2013

    શિવ ની સમાધિ

    મારી સરવે સમજ થી પરે, આ ભોળા શંભુ કોની રે સમાધિ ધરે..

    સ્તંભ બની બ્રહ્મા વિષ્ણુ ના, મદ ને મહેશ હરે
    દેવાધી દેવ મહા દેવ છે મોટા, કોણ છે એની ઉપરે…

    દેવી ભવાની જનની જગતની, ગણપતિ ગુણ થી ભરે
    કાર્તિક કેરી કીર્તિ સવાઈ, નવખંડ નમનું કરે…

    સિંહ મયૂર ને મૂષક મજાનો, નંદી કચ્છપ કને
    ભૂત પિશાચ છે ભક્તો તમારા, ભભૂત ભંડાર ભરે…

    નારદ શારદ ઋષિ ગણ સઘળા, કોટી કોટી દેવો ઉચરે
    સ્વપ્ન મહીં પણ શિવજી મળે તો, ધન્ય ધન્ય જીવન કરે…

    મૃત્યુંજય પ્રભુ છે જનમેજય, સમર્યે સહાય કરે
    “કેદાર” કહે ના ધરી છે સમાધિ, એ તો ભક્ત ના હૃદય માં ફરે..

    સાર:-મેં એક વાત સાંભળે લી કે એક વખત બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન સાથે સાથે ભ્રમણ કરતા હતા, અને બન્નેના મનમાં એકજ વિચાર ચાલતો હતો કે અમારા બે માં મોટું કોણ ? (મોટા બનવાનો મોહ ઈશ્વરને પણ છોડતો નથી તો આપણે માનવ તો કઈ વિસાત માં ?) મહાદેવ તો જરા પણ સમય મલ્યો નથી કે બેસી જાય સમાધિ માં એટલે એ વખતે શિવજી સમાધિ માંજ હતા, પણ જેવો આ બન્ને દેવોને આવો વિચાર આવ્યો કે તુરંત શિવજી એક મહા કદાવર સ્તંભ બનીને એ બન્ને દેવોના માર્ગ માં આવી ગયા, બન્ને દેવો વિચારવા લાગ્યા કે આ સ્તંભ શાનો છે? ત્યારે બન્ને દેવોએ વિચાર્યું કે આપણે બન્ને આ સ્તંભ નો તાગ મેળવીએ અને જે પહેલાં તાગ લઈને આવે તે મોટો, આમ વિચારી બન્ને દેવો એક ઊપર અને એક નીચે સ્તંભનો છેડો શોધવા નીકળી પડ્યા, પણ અથાગ મહેનત કરવા છતાં જ્યારે તેઓ સફળ ન થયા ત્યારે ફરી એજ જગ્યા પર આવીને પોત પોતાની નિષ્ફળતા જણાવવા લાગ્યા. ત્યારે ત્યાં શિવજી પ્રગટ થયા અને બન્નેનો “મોટું કોણ” ના મામલાનું સમાધાન કરવા આ સ્તંભ તે પોતે પ્રગટ કરેલ છે એમ જણાવેલ, ત્યારે બન્ને દેવોએ શિવજીને નમન કરીને ત્રણે દેવોમાં શિવજી ને મહાદેવ તરીકે સ્વીકારી લીધા.

    શિવજી નો પરીવાર પણ અલૌકિક છે. શિવજી નાં અર્ધાંગની, સતિનો બીજો અવતાર જગત જનની માં ભવાની, જે માતા પાર્વતીજી નામે વધારે ભક્તો ના હ્રદય માં બિરાજમાન છે, જે અન્નપૂર્ણા પણ છે.

    મોટા પુત્ર કાર્તિક સ્વામી, જેનું વાહન મયૂર છે, રાક્ષસ રાજ તાળકાસુર નો વધ કરીને દેવતાઓને રાક્ષસોના ત્રાસ માંથી છોડાવનાર, અને દેવતાઓ ના સૈન્ય ના સેના પતી. એક વખતે પાર્વતીએ બંને ભાઈઓને બોલાવી કહ્યું કે જે પૃથ્વીની પ્રદક્ષિણા કરી વહેલો આવે તે રિદ્ધિ અને સિદ્ધિ સાથે પરણે. તે ઉપરથી કાર્તિક સ્વામી તો મોર ઉપર સવારી કરી તુરંત નીકળી પડ્યા, પણ ગણપતિ માતા પિતા ને પૃથ્વી રૂપ ગણીને તેમની પ્રદક્ષિણા કરી હાથ જોડીને ઊભા રહ્યા. તેથી માતાએ તેમને પહેલાં પરણાવવાનું વચન આપ્યું. કાર્તિક સ્વામી આવી ને જુએ છે તો ગણપતિને વિજેતા ઘોસિત થયેલા દીઠા. તે ઉપરથી પોતે ન પરણવાનો નિર્ધાર કરી ને કુંવારા રહ્યા.

    બીજા પુત્ર ગણાધીપતી ગણેશ, ગજાનન (ઘણા લોકો ગજાનંદ કહે છે જે યોગ્ય નથી.) જે ગુણોના સાગર છે, જેમનું રૂપજ એક પ્રતીક છે, ઝીણી નજરે જોનાર, મોટા કાન, જે આજુ બાજુ ની દરેક વાત સાંભળીને કે લાંબા નાક વળે સૂંઘીને રજે રજની ખબર રાખે અને મોટા ઉદર માં સમાવીને સમયાનુસાર ઉપયોગ કરે, દેખાવ હાથી જેવો પણ વાહન માં મુષક, જે સમજાવે છે કે નાનામાં નાના જીવને પણ મહત્વ આપો, રિદ્ધિ અને સિદ્ધિ જેમના પત્ની છે, એવા ગણ નાયકને મારા હજારો હજારો વંદન.

    શિવનો દ્વારપાલ નંદી; પોઠિયો; નંદિકેશ્વર. એક વખત ભગવાન શિવ સમાધિમાં એટલાં લીન બની ગયા કે વર્ષોના વર્ષ વીતી ગયા, ત્યારે દેવતાઓ અને ભક્તો નંદી પાસે શિવ ક્યારે સમાધિ છોડશે અને અમારી વ્યથા ક્યારે સાંભળશે એવી રજૂઆત કરતા રહ્યા. જ્યારે પ્રભુએ સમાધિ છોડી ત્યારે નંદીએ ભક્તો ના દુખની વાત ભગવાન શિવ ને કરી, ત્યારે શિવજીએ નંદીને વચન આપ્યું કે મારી આવી સમાધિ વખતે જો કોઈ તારા કાન ની અંદર પોતાની વ્યથા/કથા કહેશે તો તે મને કોઈ પણ સંજોગો માં સંભળાશે, ત્યારથી લોકો શિવ મંદિરમાં જાય છે ત્યારે નંદિનાં કાનમાં પોતાની વ્યથા વ્યક્ત કરે છે. પણ ઘણા લોકો કે જેને આ વાતની ખબર નથી હોતી તે દેખા દેખી થી જ નંદિના કાન પાંસે મોં રાખે છે, કદાચ બોલતા પણ નહીં હોય, છતાં આતો ભોળો નાથ છે, વગર માંગ્યે પણ આપી દે છે. નંદી નાં શિંગડા ઉપર અનામિકા તથા ટચલી આંગળી રાખી શંકરનાં દર્શન કરવાથી વધારે ફળ મળવાનું માહાત્મ્ય પણ જણાવાય છે. અરે ભાઈ પ્રભુને રીજ ભજો કે ખીજ, ભોળો નાથ બધાની અરજ સાંભળે છે.

    કાચબો- નંદિની આગળ નત મસ્તક કાચબો આવનાર સર્વે ભક્તો ને જાણે કહેતો હોય કે શિવ ના શરણે આવો ત્યારે સંસારની સર્વે માયાને છોડી ન શકો તો સંકોરીને કવચમાં રાખી દો અને નિર્લેપ ભાવે ભોળાને સમર્પિત થઈ જાવ, એ જરૂર સાંભળશે.

    અને ભોળાનાં પ્યારાં ભૂતડાઓ, આપણને ભલે ગમે તેવા લાગતા હોય પણ મેં એક જગ્યાએ વાંચેલું કે પ્રભુ પોતાના લગ્ન વખતે જે વધારે આનંદિત થઈને નાચતા હતા તેવા ભૂતોને પોતાની સાથે નંદી પર બેસાડતા, તો આપણે પણ એવી ભક્તિ કરીએ કે કમ સે કમ આપણા પર નજર તો ધરે! મોટા મોટા સંતો, મહંતો અને ઋષિઓ કહે છે કે ભોળા નાથ નાં દર્શન તો ભાગ્યશાળી હોય તેનેજ થાય, પણ જો એકાદ વખત સ્વપ્ન માં પણ ભોળો દેખાય ને, તો બેડો પાર થઈ જાય.

    શિવ ભક્તો માં ઘણા એવા પણ હશે, જે કદાચ નંદી સુધી પણ ન પહોંચી શકતા હોય, અને નંદિના કાનમાં પોતાની વાત ન કરી શકતા હોય, તો ભક્તો માટે આટ આટલું કરનાર ભોળા નાથ શું ભક્તોને નિ’સહાય છોડીને દૂર રહી શકે? મને તો લાગે છે કે ભોળાને કોની સમાધિ ધરવાની હોય? એ તો બસ ભક્તો નું ધ્યાન રાખવા માટે ભક્તો ની સમાધિ ધરી ને બેસતા હશે, જેમ એક સંતે કહેલું કે હવે મારે ભગવાન ની માળા નથી ફેરવવી પડતી, હવે તો ભગવાન મારી માળા ફેરવે છે. હવે મારુ ધ્યાન એ રાખે છે.
    જય ભોળા નાથ.

  8. hiren
    ઓક્ટોબર 17, 2013
  9. Arun Tevatiya
    ફેબ્રુવારી 25, 2014

    Very nice interesting.

  10. MANISH RATHOD
    એપ્રિલ 19, 2014

    very nice information, THANKS.

  11. R.k.Patel
    જાન્યુઆરી 10, 2016

Leave a comment