ગુજરાતના-જોવાલાયક સ્થળો

ટુર ગુજરાત

શામળાજી


ગુજરાતનું પ્રાચીન યાત્રાધામ શામળાજી

P.R


ગુજરાતની અંદર સાબરકાંઠા જિલ્લાની ઈશાન દિશામાં મેશ્વો નદીના કિનારે અને ભિલોડા તાલુકાની અંદર આવેલ પવિત્ર યાત્રાધામ શામળાજી ખુબ જ સુંદર અને રમણીય સ્થળ છે. આ યાત્રાધામ ડુંગરોની વચ્ચે એટલે કે અરવલ્લી પર્વતમાળાની વચ્ચે આવેલું છે અને તેની ચારે તરફ હરિયાળી છે. આ પવિત્ર યાત્રાધામમાં શ્રી દેવગદાધર શામળાજી ભગવાનનું ખુબ જ સુંદર અને વર્ષો જુનુ મંદિર છે. તેની સાથે સાથે અહીંયા શંકરભગવાન અને સુમંગલા દેવીના મથકો પણ છે.

આ મંદિર કયારે અને કોણે બંધાવ્યું તેના વિશે કોઈ જ ઇતિહાસ ઉપલબ્ધ નથી. પરંતુ એવું કહેવાય છે કે આ મંદિર પંદરસો વર્ષ પહેલા જ્યારે આ નગરી અસ્તિત્વમાં આવી તે સમયે એટલે કે દસમી કે અગિયારમી સદીમાં બંધાયાનું માનવામાં આવે છે. શામળાજી ખાતે આવેલ આ રક્ષિત સ્મારકનાં અગ્રભાગે કલાકારીયુક્ત પ્રાચીન તોરણ આવેલ છે અને આ તોરણ દસમી સદીનું હોવાનું મનાય છે.

અહીંયા મંદિરની અંદર ભગવાનની મૂર્તિ શ્યામ રંગની છે એટલે તેમને શામળીયા પણ કહેવામાં આવે છે. તેના વિશાળ પટાંગણમાં જ પ્રવેશદ્વાર પર બે ખુબ જ મોટા હાથીઓની પ્રતિમાઓ છે. મંદિરની ઇમારત પરના ભોગાસન શિલ્પો ખુબ જ સુંદર રીતે કંડારાયેલ છે. અહીંયાની નગરી ખુબ જ પ્રાચીનકાળની છે એટલે કે રાજા હરિશ્ચન્દ્રની નગરી માનવામાં આવે છે.

અહિંયા કારતકી પૂનમના દિવસે ખુબ જ મોટો અને ભવ્ય મેળો ભરાય છે અને તેની અંદર જાતજાતના પશુઓની લે-વેચ થાય છે. દર પૂનમે હજારો યાત્રાળુઓ અહીંયા દર્શનાર્થે આવે છે. માહી પૂનમે અને શ્રાવણી પૂનમે પણ મેળો ભરાય છે.

યાત્રાળુઓના ઉતારા માટે ધર્મશાળાની સગવડ ઉપલબ્ધ છે. હિંમતનગરથી તે નજીક છે અને અમદાવાદથી 130 કિ.મી.ના અંતરે આવેલ છે. ત્યાં જવા માટે સડક માર્ગે ગુજરાત ગર્વમેંટની બસ દ્વારા અમદાવાદ થઈ હિંમતનગર બાય પાસ થઈને જઈ શકાય છે.

ત્યાંની નજીકનું હવાઈમથક અમદાવાદ છે.

Leave a comment